Welcome, Guest   [ Register | Sign In | Take a tour | Adult Filter: On ]

ભારતના મહાન આધ્યાત્મિક ગુરૂ-મહાત્‍મા ગાંધીજી

ગાંધીજીનું પ્રોફેશનલ મેનેજમેંટ - એક વખત અપનાવી જુઓ...

બીજા વિશ્ર્વયુદ્ધમાં લશ્‍કરી તાકાતે જીતીને બળીયો સાબિત થયેલું બ્રિટન આર્થિકરીતે ભાંગી ગયું હતું અને તેના કારણે તેણે 1947માં ભારતને આઝાદ કરવું પડયું. આ વાતને ચાલુ મહિને 60 વર્ષ પુરા થયાં. ભારતને આઝાદી અપાવવામાં પરોક્ષરીતે વિશ્ર્વયુદ્ધ ભલે નિમિત બન્‍યું પરંતુ સ્‍વતંત્રતા માટે ક્રાંતિનો પહેલો ભડકો કરનાર વીર મંગલ પાંડે થી લઇને મહાત્‍મા ગાંધીજી અને લોખંડી સરદાર સુધીના દરેક શહીદોનું યોગદાન જેવું તેવું નહોતું. સરફરોશ ક્રાંતિકારો હજારો હતાં, પણ તે બધામાં સોથી વધુ પ્રસિદ્દિ ગાંધીજીને મળી. ફકત એટલા માટે નહિં કે જીવનના લગભગ ત્રણ દાયકા આઝાદીની લડત પાછળ તેમણે વીતાવી દીધા.

દેશની સેવામાં જવાહરલાલ નહેરૂ, આચાર્ય ક્રિપલાની, મોલાના આઝાદ, સુભાષચંદ્દ બોઝે પણ વર્ષોના વર્ષોના આપી દીધા હતાં. આમ છતાં ગાંધીજીની વિરાટ પ્રતિભા સામે બીજાનું યોગદાન ઓછું દેખાયું. અલબત, શા કારણે ? આજે પ્રોફેશનલ મેનેજમેંટના જમાનામાં મેનેજમેંટનીજ ભાષામાં વાત કરો તો કદાચ એ સવાલનો જવાબ મળી રહેશે.

વકિલ મોહનદાસ કરમચંદ ગાંધીની છબિ મેનેજેમેંટ ગૂરૂ તરીકે ઉપસી આવે તે સ્‍વાભાવિક છે. ગોરી હકૂમતને કયા મુદે સિફતપૂર્વક પડકારવી, મુદાને કેટલો અને ક્‍યાં સુધી ચગાવવો અને છેવટે સત્‍યાગ્રહના ભાગરૂપે ઉપવાસ ઉપર ઊતરીને અંગ્રેજોને શી રીતે ઝૂકાવવા એ દરેક બાબતે ગાંધીજી ખૂબજ સભાન હતાં. માટેજ સત્‍યાગ્રહનું દરેક પગલું તેઓ ગણતરીપૂર્વક ભરતા હતાં. શસ્ત્રસજ્જ અંગ્રેજો સામે અહિસંક લડત આદરીને સમગ્ર વિશ્ર્વની નજરમાં અંગ્રેજોને વિલન પુરવાર કરી દેવાને મળેલી સફળતા મેનેજમેંટમાં તેમની કોઠાસૂજનું ઉદાહરણ છે, તો બીજો દાખલો દાંડી યાત્રા પણ છે. કે જેમાં માત્ર અંગ્રેજો સલ્‍તનતને જ નહિં, પરંતુ સમગ્ર દુનિયાને ખળભળાબ્‍યું.

રાષ્ટ્ર માટે સમગ્ર જીવન સમર્પિત કરનારા મહાત્‍મા ગાંધીજી અમેરિક ચિંતક થોરો, ઇંગ્‍લેન્‍ડના માનવતાવાદી જહોન રસ્‍કિન, રશિયાના લિયો ટોલ્‍સટોય જેવાઓના તત્ત્વચિંતનના અભ્‍યાસથી પ્રભાવિત થયા હતા. ‘આ જગતમાં જે કાંઇ છે તે સઘળું ઇશ્વરને આભારી છે, આથી તેને ત્‍યાગીને ભોગવ. કોઇના પણ ધનની લાલચ રાખીશ નહીં.‘ ઇશાવાષ્‍ય ઉપનિષદના આ બુનિયાદી વિચારમાંથી ગાંધીજીને વાલીપણાનો ખ્‍યાલ સ્‍ફૂર્યો હતો. અર્થશાસ્રના ‘આર્થિક માનવ‘ના ખ્‍યાલ સામે ગાંધીજીએ માનવનો ખ્‍યાલ રજૂ કર્યો હતો. ઉપયોગ અને ઉપભોગ વરચેનો ભેદ સમજવાની શીખ આપી હતી. ‘જે યજ્ઞ કર્યા વગર ખાય છે તે પાપનો આહાર કરે છે.' એવા ભગવદ્ગીતાના ઉપદેશે ગાંધીજીને અઘ્‍યાત્‍મના રંગે રંગી નાખ્‍યા હતા.

પૂ.ગાંધીજીની વિશેષતા એ હતી કે મોટામાં મોટા માણસથી માંડીને નાનામાં નાના માણસને મળવાનું, તેને શાંતિથી સાંભળવાનો કે સમજવાનો તેમની પાસે સમય હતો. પોતાની આઘ્‍યાત્‍મિક જિજ્ઞાસા સંતોષવા માટે સ્‍વાતંત્ર ચળવળના ભગીરથ પુરુષાર્થ દરમિયાન પણ સમય કાઢીને સંતો, જ્ઞાનીજનો, તત્ત્વચિંતકોની મુલાકાત તથા સત્‍સંગ વાર્તાલાપ કર્યો હતો. મહર્ષિના વાર્તાલાપોમાં અવાર-નવાર ગાંધીજીનો ઉલ્લેખ જૉવા મળે છે. આ સંદર્ભમાં ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્‍વ. મોરારજી દેસાઇ લખે છે ‘રમણ મહર્ષિના વાર્તાલાપોમાંથી ગાંધીજીની ઇશ્વર પ્રત્‍યેની સંપૂર્ણ શરણાગતિ અને તેમની વિચારમુકત અવસ્‍થા જૉવા મળે છે.'

ગાંધીજીની સોમવારે સાપ્તાહિક મૌનના દિવસે મુલાકાત લેનાર પરમહંસ યોગાનંદને રાત્રે આઠ વાગ્‍યે મૌન છૂટયા પછી ગાંધીજીએ જણાવ્‍યું, ‘વર્ષોપહેલાં મારા પત્રવ્‍યવહારને પહોંચી વળવા માટે વખત મેળવવા સારું મેં અઠવાડિયામાં એક દિવસ મૌન પાળવાનું શરૂ કર્યું પણ હવે એ ચોવીસ કલાક મારે માટે ખાસ આઘ્‍યાત્‍મિક જરૂરિયાતના થઇ પડયા છે.‘ નિયતકાલનું મૌનવ્રત એ યાતના નથી, પણ આશીર્વાદ છે. ભગવાન સત્‍ય છે એમ, કહેનાર ગાંધીજીએ એમ પણ કહ્યું છે કે, ‘સત્‍ય એ જ ભગવાન છે.‘ ગાંધીજીએ કહ્યું છે, ‘જો સત્‍ય અને અહિંસાને આપણે આપણા જીવનનો મહામંત્ર બનાવવાનો નિશ્ચય કરીએ તો દરેક સવાલનો ઉકેલ મળી આવે છે એમાં શંકા નથી.‘ ગાંધીજી એમના જીવન-અનુભવ દર્શાવતા કહે છે, ‘મેં મારા જીવનમાં જોયું છે કે વિનાશના કાયદાથી નહીં, પણ પ્રેમના ચોક્કસ સિદ્ધાંતે મને સફળતા આપી છે.‘

1932માં યરવડા જેલમાં સહવાસી બનેલા પુત્ર રામદાસના સ્‍વાઘ્‍યાય માટે ગાંધીજીએ ગીતામાંથી 42 શ્ર્લોકો પસંદ કરીને ગીતા પ્રવેશિકા તૈયાર કરી હતી. યોગાનુયોગ એવો છે કે રમણ મહર્ષિએ પણ ગીતાસાર શીર્ષકથી ગીતામાંથી 42 શ્ર્લોકો તારવ્‍યા હતા. કે. સ્‍વામીનાથન લખે છે કે આ બંનેમાંથી જ્ઞાન, ભકિત અને કર્મ પર ભિન્ન રીતે ભાર મૂકવામાં આવ્‍યો છે, તે છતાં વર્તમાન માટે ગીતાની જે ઉપયુકતતા છે તેને સ્‍પષ્ટ કરે છે. ગાંધીજીની આંતર-બાહ્ય એકતા પર મુગ્‍ધ થઇ જનાર વિનોબા 1916માં ઘર છોડીને જતી વખતે દ્વિધામાં હતા. વંદેમાતરમ્‍ની ભાવનાને કારણે એક બાજુ બંગાળ તરફનું ખેંચાણ અને બીજી બાજુ શાંતિ અને જ્ઞાનયોગ માટે હિમાલય તરફનું ખેંચાણ. કઇ બાજુ જવું? પરંતુ તેઓ ન ગયા બંગાળ કે ન ગયા હિમાલય. વિનોબાજી લખે છે, ‘મારા મનથી હું બંને જગ્‍યાએ પહોંચી ગયો. ગાંધીજી પાસે મને હિમાલયની શાંતિ પણ મળી અને બંગાળની ક્રાંતિ પણ જડી. જે વિચારધારા હું ત્‍યાં (ગાંધીજી પાસે) પામ્‍યો તેમાં ક્રાંતિ અને શાંતિ બંનેનો અપૂર્વ સંગમ થયો હતો.'

‘જેના ચિત્તમાં શાંતિ પ્રતિષ્ઠિત છે એનો વ્‍યવહાર બધાની સાથે સમાન હોય છે. ‘પૂ. વિમલાબહેન ઠકારે આ વિધાનને સ્‍પષ્ટ કરવા મહાત્‍મા ગાંધીજીનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે બાપુ જયાં તર્યા હતા ત્‍યાં જઇને મહંમદ અલી ઝીણા વાતચીત કરવા માટે પણ તૈયાર નહોતા ત્‍યારે ગાંધીજીએ કહ્યું હતું, ‘બંનેને વાતચીત કરવી છે તો હું જઇશ.' વિમલાજી લખે છે કે, ‘ગાંધીજીના ચિત્તમાં આ મહાદેવ (દેસાઇ) છે અને આ ઝીણા છે. એક મારી સેવા કરે છે અને બીજૉ મારી સામે લડવા આવે છે. એ ભેદભાવ કયારેય નહોતો.' ગાંધીજીએ જેને અઘ્‍યાત્‍મ વિજ્ઞાનના વિજ્ઞાની તરીકે બિરદાવ્‍યા હતા એવા મોટાએ એમ કહ્યું હતું કે ગાંધીજી જ એવા નીકળ્‍યા કે જેણે સાચી
દેશસેવા કરી બાકી રાજકારણ તો રાગ દ્વેષ વધારનાર જ છે.

‘હું હવા-પાણી વિના કદાચ જીવી શકું પણ ઇશ્વર વિના નહીં જીવી શકું.' એક વાર ગાંધીજીએ આશ્રમમાં એક હરિજનને દાખલ કર્યો. આશ્રમને મદદ કરનાર શ્રીમંતોને આ વાત ન ગમી. એ લોકોએ મદદ કરવાની બંધ કરી. મગનલાલે બાપુને કહ્યું કે આઠ દિવસ ચાલે એટલો જ અનાજનો જથ્‍થો છે. ગાંધીજી ક્‍ઢ રહ્યા. એમને શ્રદ્ધા હતી કે, ‘હું સાચો છું. ઇશ્વરની ઇરછા પ્રમાણે જ સૌ થશે.' મગનલાલની ચેતવણીના બીજા કે ત્રીજા દિવસે એક ગૃહસ્‍થ આશ્રમમાં આવ્‍યા. ગૃહસ્‍થ કે ગાંધીજી પરસ્‍પર એક બીજાને ઓળખતા ન હતા. ઉઘાડું શરીર, ટૂંકુ પંચિયું, ખભા પર પાણીનો પિત્તળનો તાંબડો લીધેલા ગાંધીજીનો પરિચય પામીને આ ગૃહસ્‍થે કહ્યું કે, ‘તમારા આશ્રમને કોઇ મદદ આપે તો સ્‍વીકારો ખરા?' ગાંધીજીનો હકારાત્‍મક જવાબ સાંભળીને ગૃહસ્‍થ ચાલ્‍યા ગયા. બીજા દિવસે આવીને પોતાનો પરિચય આપ્‍યા વિના ગાંધીજીના હાથમાં તેર હજાર રૂપિયા મૂકીને ચાલ્‍યા ગયા. ગાંધીજી લખે છે, ‘બધા જ ઉપાયો અજમાવી ચૂકયો હોઉં, કામ બંધ થવાની તૈયારી હોય અને મને મદદ મળી છે.'

30મી જાન્‍યુઆરીના રોજ ગાંધીજીની હત્‍યા થઇ ત્‍યારે શ્રી શ્રીમા આનંદમયીએ કહ્યું હતું, ‘ગાંધીજીએ હિંસાવૃત્તિ પર અહિંસાવૃત્તિ દ્વારા વિજય પ્રાપ્ત કર્યો. શાંતભાવથી ‘રામરામ' કરતા ચાલી ગયા. આ પ્રસંગે રમણ મહર્ષિએ કહ્યું હતું ‘રાવણનો વધ કર્યા પછી રામે પાછા વૈકુંઠમાં જવાનું હતું. તે યાદ કરાવવા યમ આવે છે અને રામને વૈકુંઠમાં પાછા ફરવા વિનંતી કરે છે.

ઉત્તર રામાયણમાં આવી વાત આવે છે. ભગવાન કૃષ્‍ણ પણ કામ પૂરું થયા પછી પારધીના બાણથી વીંધાઇને સ્‍વધામ પાછા ફરે છે. આ રીતે ગાંધીજીને પણ સ્‍વરાજ આવ્‍યા બાદ એમનું કામ પૂર્ણ થતાં પાછા મોકલી દેવામાં આવ્‍યા છે.'

દાંડી યાત્રા એક અનોખો વિચાર હતો, જેનું દેશવ્‍યાપી માર્કેટિંગ કરવામાં વપરાયેલી પ્રોડક્‍ટ મીઠું એટલેકે સોલ્‍ટ હતી. આને જ કહેવાય મહાત્‍મા ગાંધીજીનું પ્રોફેશનલ મેનેજમેંટ. જો આજે ગાંધીજી જીવિત હોત તો તેઓને ભારતની સોથી બેસ્‍ટ આઇ આઇ એમ(IIM)માં મેનેજમેંટ ગુરૂનું સ્‍થાન ધરાવતા હોત. શું તમારે પણ ગાંધીજી જેવું મેનેજમેંટ શીખવું છે? જો હા તો આજથી જ ગાંધીજીના જીવન ચરિત્રને ધ્‍યાનમાં લઇને આધ્‍યાત્‍મિક ગુરૂ બની જાવ, તમને સફળતા જરૂર મળશે. તથાસ્‍તું....
અસ્વીકરણ